Thursday, 19 February 2015

જીવનસંધ્યા
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના દરવાજા પાસે રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી આધેડ વયની એક સ્ત્રી ઊતરી. ગૌરવર્ણ, સપ્રમાણ શરીર, સૌમ્ય ચહેરો અને તેજોમય આંખો વાળી ચિત્રાને વૃદ્ધાશ્રમના બગીચામાં બેઠેલો મનન દૂરથી ઓળખી ગયો. એ ઊભો થઈને દરવાજા પાસે આવ્યો. રિક્ષાવાળાને પૈસા ચૂકવીને ચિત્રા દરવાજા તરફ વળી. મનનને જોઇને એ સાવ અવાચક થઈ ગઈ.
“મનન, તું અહીં?”
“લાગતો ભલે ના હોઉં, પણ વૃદ્ધ તો હું પણ થયો છું.” મનને હસીને સામાન ઉપાડતાં કહ્યું.
“અરે, હું લઉં છું.” ચિત્રા બોલે ત્યાં તો મનન થેલા લઈને ચાલવા માંડ્યો.
વૃદ્ધાશ્રમને જોતી જોતી ચિત્રા પણ મનનની સાથે કાર્યાલયમાં પહોંચી.
ધીરજલાલે મનનના હાથમાં ચાવી આપી.
“આવ ચિત્રા, તારો રૂમ બતાવું.”
રૂમ ખોલીને મનને સામાન અંદર મૂક્યો.
હવે ચિત્રાથી ના રહેવાયું. પલંગ પર બેસતાં તરત જ એણે પૂછ્યું, “મનન હવે કંઇક કહીશ કે બસ કામ જ કરતો રહીશ?“
“મને અહીં આવ્યે બે મહિના થયાં. ખુબ સારી જગ્યા છે. તને ગમશે અહીં.”
“આટલા વર્ષો પછી, આમ અચાનક આપણે અહીં ભેગાં થશું, માન્યામાં નથી આવતું.”
“ચિત્રા, સાંજની પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. પ્રાર્થના પછી સીધું જમવા જવાનું. સામે બાથરૂમ છે. તું ફ્રેશ થઈને આવ, હું બહાર રાહ જોઉં છું.”

ચિત્રા ભૂતકાળમાં સરી પડી. મનન ચિત્રાનો કલાસમેટ હતો. બંને ત્રણ વર્ષ કોલેજમાં જોડે ભણ્યાં હતાં. મનન સ્વભાવે મિલનસાર અને હસમુખો હતો. એના જોક્સ અને મશ્કરીઓથી બધાંને કાયમ હસાવતો. કોલેજનાં બીજાં વર્ષમાં મનને ચિત્રાને પ્રપોઝ કરેલું. ચિત્રાને એ સમયે કંઈ સમજમાં ન આવ્યું હતું. પણ તેને એટલી ખબર હતી કે તેને મનન પ્રત્યે એવી કોઈ જ લાગણી ન હતી. ચિત્રાએ મનનને સાવ સાચું જણાવી દીધું. મનન ત્યારે કંઈ બોલી નહોતો શક્યો. એ સમય, એ મૌન અને મનનની આંખો, ચિત્રા સામે બધું તાજું થયું.
એ પછીના બે વર્ષો બંને વચ્ચે બહુ ખાસ વાતો ના થતી. કોલેજ પછી તો મનન ક્યાં છે, શું કરે છે? એવી કોઈ જ જાણકારી ન રહી. અને આજે અચાનક એ સામે આવી ગયો. ચિત્રાના મનમાં હજાર પ્રશ્નો હતાં.

ફ્રેશ થઈને ચિત્રા બહાર આવી.
મનન તેને પ્રાર્થનાખંડમાં લઈ ગયો.
પ્રાર્થના પછી, ચિત્રાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. મનને ચિત્રાની ઓળખાણ જૂની કોલેજમિત્ર તરીકે આપી ત્યારે બધાંએ તાળીઓથી ચિત્રાને વધાવી લીધી. ચિત્રા સ્ટેજ પર ઊભેલા મનન સામે જોઈ રહી. આ નવી જગ્યામાં અચાનક તેને પોતીકાપણું લાગવા માંડ્યું.
પ્રાર્થનાસભા વિખરાઈ.
મનને ચિત્રા પાસે આવીને કહ્યું, “ચાલ, જમી લઈએ.”
 ચિત્રા હજી મનન સામે જ જોતી હતી. કશું બોલી ન શકી પણ એની આંખો છાની ન રહી. પાલવથી આંખો લૂછતા એ મનનની પાછળ ચાલી.

જમ્યા પછી મનન અને ચિત્રા હિંચકે બેઠાં. ચિત્રા મૌન હતી.
“તારું ફેમિલી.......” મનને વાત શરુ કરી.
“મારા ફેમિલીમાં અમે ત્રણ. હું, દેવ અને ઋચા.” ચિત્રાએ વાત માંડી.
“કોલેજનાં ત્રીજા વર્ષમાં હું અને દેવ મળ્યાં. એ ઝેવિયર્સમાં હતો. બીજી કે ત્રીજી મુલાકાતમાં જ અમને પ્રેમ થઈ ગયો. મને એ બહુ ગમતો. એ બહુ ચાહતો મને. કોલેજ પૂરી થયા પછી મેં મમ્મીને વાત કરી. પણ પપ્પા લવમેરેજની બિલકુલ ખિલાફ અને એમાંય દેવની જ્ઞાતિ અલગ. દેવનાં ઘરે પણ આ જ પરિસ્થિતિ. બંનેએ ખૂબ કોશિશ કરી ઘરનાંને સમજાવવાની. પણ એ જમાનામાં ક્યાં કોઈ આવું સમજતું? અંતે અમે ઘરેથી ભાગીને લગ્ન કર્યા. એ જ દિવસથી બંનેના ઘર છૂટી ગયાં. બે વર્ષ પછી ઋચાનો જન્મ થયો. અમે ત્રણેય બહુ ખુશ હતાં. પણ જીવનમાં કોઈ વસ્તુ કાયમ નથી રહેતી.” 
“રૂચા અગિયારમાં ધોરણમાં હતી ત્યારે દેવ મનાલી ગયા હતા, બીઝનેસના કામથી. ત્યાં એમનો કાર અકસ્માત થયો. અમે ત્યાં પહોચ્યાં પણ દેવનો કોઈ પત્તો ન હતો. પોલીસે સતત ત્રણ દિવસ સુધી તપાસ કરી પણ ન દેવ મળ્યા કે ન દેવની.........” ચિત્રા રડી પડી.
“હું બે મહિના ત્યાં જ રહી. પણ કોઈ ખબર નહીં દેવની. મન મજબૂત કરી પાછી આવી. દેવનાં બિઝનેસને બંધ કરવા સિવાય કોઈ ચારો ન હતો. લેતી દેતી પતાવીને બિઝનેસ બંધ કર્યો. જે પૈસા વધ્યાં એમાં એકાદ વર્ષ ઘર માંડ ચાલે તેમ હતું. મેં એક ઓફિસમાં નાની નોકરી શરુ કરી. જીવન હજી ઘણું બાકી હતું. ઋચાનું ભણતર, એના લગ્ન. પણ મારી હિમ્મત એટલે ટકી હતી કે મેં  ક્યારેય સ્વીકાર્યું નથી કે દેવ મરી ગયા છે. એ પાછા આવશે જ. એ જ આશાના આરે હું જીવતી રહી. બારમા ધોરણમાં ઋચાને ખુબ સારા માર્ક્સ આવ્યા. અમારી પાસે આગળ ભણતર માટે પૈસાની જોગવાઈ ન હતી. મારા કે દેવનાં મમ્મી પપ્પા જોડે તો બોલવાના પણ સંબંધ ન હતા. શું કરવું એની ચિંતા હતી. પણ જેનું કોઈ ના હોય એના ભગવાન હોય છે. એક દિવસ સવારે છાપાંની સાથે એક કાગળ આવ્યો. માનવસેવા ટ્રસ્ટ તરફથી. એમાં તેજસ્વી વિધાર્થીઓ માટે સ્કોલરશીપની યોજના હતી. અમે ઋચાનું નામ લખાવ્યું. જાણે અમારું નસીબ ખુલ્યું હોય એમ ઋચાને પાંચ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી.”
“અમારી તકલીફો જાણે ગાયબ થઈ ગઈ. ઋચાનું સારી કોલેજમાં એડમીશન થયા પછી પણ એટલા પૈસા વધ્યા હતા કે હવે પૈસા માટે કોઈ કામ નહીં અટકે એની ધરપત થઈ. છતાંય મેં નોકરી ચાલુ રાખી. દેવ ક્યારેય વિસરાતો નહીં. વર્ષમાં એકવાર અમે મનાલી જતાં. એ જ શોધખોળ અને પોલીસ સ્ટેશનના ધક્કા. કોઈ પરિણામ નહીં.
“ઋચા કોમ્પ્યુટર એન્જીનીયર થઈ. થોડાં વખતમાં એણે મને સૂરજ વિશે  વાત કરી. એના જ ક્લાસમાં હતો. બંનેને સારો મનમેળ હતો. મેં લગ્નની હા પાડી. જાણે બધું સારું જ થતું હોય તેમ બંનેને અમેરિકામાં નોકરીની ઓફર મળી. બંનેના કોર્ટ મેરેજ કર્યા. ઋચા, સૂરજ અને એના મમ્મી પપ્પા બધાં અમેરિકા છે અત્યારે. મને પણ સાથે આવવાં કહેલું પણ મેં ના પાડી. દેવ માટે મારી આશા અમર છે હજી. પણ છ મહિનામાં ઘરે એકલતાએ કોરી ખાધી. એટલે મેં વૃદ્ધાશ્રમમાં નામ લખાવ્યું. ઘરને ભાડે આપ્યું, નોકરીમાંથી નિવૃત્તિ લીધી આ બધું કરતાં  બે મહિના થયા.”
બંને થોડીવાર મૌન બેઠાં રહયાં.
ચશ્મા કાઢી આંખો લૂછતાં ચિત્રાએ મનનને કહ્યું, “તારા વિશે તો કંઇક બોલ? તારું ફેમિલી?”
“મારું આખું ફેમિલી અહીંયા જ છે હો...”મનને વાતાવરણને હળવું બનાવતાં કહ્યું.
“એટલે? તું અને તારી પત્ની બંને? ક્યાં છે એ?”
“ઓ ઉતાવળી...મારું આખું ફેમિલી એટલે હું પોતે.”.. મનને હસતાંહસતાં કહ્યું.
“એટલે? તેં લગ્ન નથી કર્યાં?”
“ના ના....ટાઇમ જ ના રહ્યો બોલ...હા હા હા..”.
“મનન...પ્લીઝ...સાચું ક્હે?”
“અરે સાચે....હું એકલો જ છું?”
ચિત્રા ગંભીર થઈ ગઈ.
“કેમ?...”.મનનની સામે જોયા વગર એ નીચું માથું કરીને બોલી.
મનન થોડું વિચારીને બોલ્યો,
“આ ઉંમરે શું ખોટું બોલું તારી પાસે?તારા પછી કોઈ ગમ્યું જ નહીં......”
ચિત્રા મનનની આંખોમાં જોઈ રહી. એ જ આંખો...એ જ ભાવ...મનન જાણે એ જ સમયમાં હતો હજી.
“પણ મનન, મને....” ચિત્રાએ ખુલાસો કરવા પ્રયત્ન કર્યો પણ મનને એને અટકાવી.
“એ સમય જતો રહ્યો ચિત્રા.... કોઈ ખુલાસા આપવાની જરુર નથી....તું આટલા વર્ષે મળી એ જ આનંદની વાત છે. હું જાણું છું કે તને ક્યારેય મારા પ્રત્યે એવી લાગણી નથી જાગી જેવી મારા મનમાં છે.....બટ ઇટ્સ ઓકે.”
રાત બહુ થઈ ગઈ છે...હવે આપણે સૂઈ જવું જોઈએ. કાલે સવારે છ વાગે બધાંને જગાડવાના છે.
કેમ? ચિત્રાએ પૂછ્યું.
હું રોજ સવારે લાફીંગ ક્લબ ચલાવું છું ગાર્ડનમાં.
ચિત્રા મનન સામે જોઈ રહી.
શું થયું? મનને પૂછ્યું.
કંઈ નહીં.
આજે વર્ષો પછી, ચિત્રા સૂતી વખતે દેવ વિશે વિચારતી ન હતી. મનનના વિચારોએ એના મનને ઘેરી લીધું.

સવારે લાફીંગ ક્લબ. પછી વૃદ્ધાશ્રમના બગીચાની સારસંભાળ. દસ થી બાર વાગ્યા સુધી વૃદ્ધાશ્રમની વ્યવસ્થાને લગતાં કામ. બપોરે વાંચન. ચાર થી છ ધાર્મિક ગ્રંથો પર ગોષ્ઠિ. સાંજે વોકિંગ, પછી પ્રાર્થના અને જમવાનું. જમ્યા પછી જામે ડાયરો. આજે પણ મનન બધાંને હસાવતો. ચિત્રાને મનનનું વ્યક્તિત્વ સ્પર્શી ગયું.
ચિત્રા બહુ જલ્દી બધાં જોડે ભળી ગઈ. મનનના ઘણાં કામમાં ચિત્રા તેની મદદ કરતી. બંનેને જોડે કામ કરતા જોઈ, વૃદ્ધાશ્રમની બહેનો ચિત્રાને કહેતી કે બંનેની જોડી બહુ સરસ લાગે છે. ચિત્રા વાતને હસીને ઉડાવી દેતી. પણ ક્યારેક એને પણ વિચાર આવતો કે એણે મનનને કેમ ના પાડી હશે? પોતે મનનને ક્યારેય સાવ ભૂલી નથી શકી....જયારે મનન વિશે વિચારતી ત્યારે તેની આંખો ચિત્રાને દેખાતી.
વૃદ્ધાશ્રમમાં એને જીવવાની મજા આવતી હતી. મહિનામાં બે ત્રણ વાર ઋચાનો ફોન આવતો અને દેવની યાદ. જયારે દેવની યાદ આવતી ત્યારે ચિત્રા સૂનમૂન થઈ જતી. મનન તેને હસાવીને ફરી મુડમાં લાવતો. આવી રીતે બે વર્ષ વીત્યાં.

“ચિત્રા...રાઈટ?” દિવાળીના દિવસે કાર્યાલયમાં કામ કરતી ચિત્રાને એક સજ્જને આવીને પૂછ્યું.
“હા..હું ચિત્રા....પણ તમારી ઓળખાણ ના પડી ભાઈ.”
“હું સમીર....મનનનો નાનપણનો મિત્ર. ઓસ્ટ્રેલિયા રહું છું.”
“આવો આવો. મનન જરા વૃદ્ધાશ્રમનાં કામથી બહાર ગયા છે.”
“ઇટ્સ ઓકે. હું રાહ જોઉં છું. પણ તમને અહીં જોઇને મનનને મળવાનો આનંદ બેવડો થઇ ગયો.”
“હું કંઈ સમજી નહીં. આપણે ક્યાંય મળ્યાં હોય એવું મને યાદ નથી આવતું. તમે મને કઈ રીતે ઓળખો?..”..ચિત્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
“અરે...જે મનનને ઓળખે એ ચિત્રાને ના ઓળખે એવું કઈ રીતે બને? પણ અંતે મનનની શ્રદ્ધા ફળી. તમે બંને એક સાથે રહો છો એ જાણીને મારી ખુશીનો પાર નથી. આટલાં વર્ષે મનનની એકલતા ભાંગી.” સમીર ભાવુક થઈ ગયો.
“સમીરભાઈ....થોડી ખુલાસાથી વાત કરશો?” ચિત્રાએ ગંભીર થઈને પૂછ્યું.
“એટલે....મનન નાગર....અહીં જ રહે છે ને?” સમીરે પૂછ્યું.
“હા, અહીં જ રહે છે. અને હું એ જ ચિત્રા છું જેની તમે વાત કરો છો.”
સમીરને લાગ્યું કે પોતે ભાવુક થઈને વધુ બોલી ગયો છે. કદાચ મનને ચિત્રાને કોઈ વાત કરી નથી.
“ચાલો...હું રજા લઉં અત્યારે....મનન આવે તો કહેજો કે હું સાંજે આવીશ.”
“એક મિનિટ....” ચિત્રાએ સમીરને રોકતાં કહ્યું.
“મનન કદાચ એ ક્યારેય નહીં ક્હે જે તમે મારાથી છુપાવો છો. આવી રીતે રહેવું અઘરું બનશે. અમારા બંને માટે. “
સમીરને પણ થયું કે ક્યાં સુધી છુપાવશે મનન. ચિત્રાને અંદેશો તો આવી જ ગયો છે.

“તો...મનને તમને કશું નથી જણાવ્યું?”
“શું કશું?....” ચિત્રાની ધીરજ ખૂટી ગઈ.
સમીરે વાત માંડી.....
“તમે કોલેજમાં મનનની પ્રપોઝલ રિજેક્ટ કરી એ પછી મનન ઉદાસ થઈ ગયો હતો. સાવ સૂનમૂન. આવો અમે એને ક્યારેય નહોતો જોયો. પણ માણસ પહેલેથી ઝિંદાદિલ. એટલે પોતાની જાતને સાંભળી લીધી. તમારા અને દેવના લગ્ન થયાં ત્યાં સુધી તો તમને એ ભાભી જ કહેવડાવતો અમારી પાસે. તમારા લગ્ન પછી એણે બિઝનેસ ચાલુ કર્યો. હું ઘણી વખત એને પૂછતો કે મમ્મી પપ્પા નહીં રહે પછી તું સાવ એકલો થઈ જઈશ. લગ્ન કરી લે. તો એ કહેતો...સમીરીયા..ખબરદાર એવું બોલ્યો છે તો હો...મારું પાછલું જીવન ચિત્રા જોડે જ વીતશે. એટલે મેં કહ્યું કે એની શ્રદ્ધા ફળી.”
ચિત્રા સ્થિર હતી...અને બંને આંખોમાંથી ચોધાર આંસુ.

“માનવસેવા ટ્રસ્ટ નામ સાંભળ્યું છે?”
ચિત્રા ચોંકી ઉઠી.
“એ પૈસા મનને .......”
“હા... મનને જ મોકલ્યા હતાં.”
ચિત્રા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

“તમારા લગ્ન પછી પણ મનનને તમારા વિશે બધી ખબર હતી. દેવના સમાચાર સાંભળી એ મારા ખભે ચોધાર આંસુએ રડ્યો હતો. તમારી મદદ કરવા એણે છાપાવાળા પાસે માનવસેવા ટ્રસ્ટનો કાગળ છાપામાં મુકાવ્યો. એ ટ્રસ્ટ ખાલી તમારી મદદ માટે જ ખોલ્યું એણે. ઋચા અમેરિકા ગઈ એ પછી તમે વૃદ્ધાશ્રમમાં રહેવાના છો એની જાણ થતાં એણે પણ અહીં રહેવાનો નિર્ણય લીધો. વૈભવી સુખ સાહ્યબી વાળો બંગલો છોડી, બિઝનેસ કર્મચારીઓ પર છોડીને એ માત્ર તમારા માટે જ અહીં રહે છે.”

“અરે...સમીરીયા....ક્યારે આવ્યો?” મનને દુરથી બૂમ પાડી.
બંનેના ચહેરા જોઇને મનન પરિસ્થિતિનો તાગ પામી ગયો.
“સોરી મનન...મને એમ કે ચિત્રા બધું જાણે છે એટલે......”.સમીરે સંકોચ વ્યક્ત કરતાં કહ્યું.
“ઇટ્સ ઓકે....”મનને હળવું સ્મિત કર્યું.
મને લાગે છે કે તમારે બંનેએ એકાંતમાં વાત કરવી જોઈએ. હું રજા લઉં. આપણે કાલે મળીએ.

ચિત્રા હજી એમ જ બેઠી હતી. સ્તબ્ધ. એની આંખો સુકાવાનું નામ નહોતી લેતી.
મનન તેની માટે પાણી લઇ આવ્યો.
“હું તને બધું....”..
કદાચ ક્યારેય ના કહેત.....ચિત્રાએ મનનને બોલતા અટકાવ્યો.
“મનન..અત્યારે તને શું કહેવું એ મને નથી સૂઝતું, પણ આજે એક વાત કહ્યા વિના નહીં રહેવાય.”
“હું તને ક્યારેય ભૂલી નથી મનન.....જ્યારથી તને ના પાડી ત્યારથી. એ સમયની તારી આંખો હમેશા મારી સામે જ રહી છે.”
આટલું સાંભળતાં જ મનન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.
ચિત્રા તેના માથામાં હાથ ફેરવતી રહી.
થોડીવાર પછી મનને જાતને સાંભળી.
“આજે દિવાળી છે, ચિત્રા ચાલ આપણે રંગોળી બનાવીએ.”
બંનેએ એકબીજા સામે સ્મિત કર્યું.

મનનભાઈ....કોઈ મળવા આવ્યું છે....ધીરજલાલે બહારથી બૂમ પાડી.
સુરેશ આવ્યો હતો. મનનની કંપની નો મેનેજર.

સાહેબ, મી.દેવ મળી ગયા છે.
મનન પગથિયે જ બેસી ગયો.
કોણ દેવ??....ચિત્રાએ ઉતાવળે પૂછ્યું.
તારો જ દેવ ચિત્રા.
ચિત્રા બેભાન થઈને ઢળી પડી.

ભાનમાં આવી ત્યારે મનન પલંગ પાસે બેઠો હતો.
“લગભગ એક વર્ષ પહેલાં તું ખૂબ બીમાર પડી હતી યાદ છે? તાવ મગજ પર ચડી ગયો હતો. આખી રાત તારા મોઢે બસ એક જ રટણ હતું. દેવ...
તું વારંવાર ઊંઘમાં રડી પડતી, એનું નામ લઈને.
ત્યારે મને લાગ્યું કે દેવનું સ્થાન કદાચ હું ક્યારેય નહીં લઇ શકું.
મેં દેવની તપાસ માટે નાના માં નાના ગામડાઓ સુધી માણસો મોકલ્યા. અને છેક આજે દેવ મળ્યો.
એ યાદશક્તિ ગુમાવી બેસેલો. પણ તારો ફોટો જોતાં જ એ રડી પડ્યો અને એની યાદશક્તિ પાછી આવી ગઈ.
હું થોડો મોડો પડ્યો આજે.
સમીરના પહેલાં જો હું આવી ગયો હોત તો.....”
ચિત્રા બસ સાંભળતી રહી.

નવા વર્ષની વહેલી સવારે સુરેશનો ફોન આવ્યો કે બસ દેવને લઈને એ થોડી જ વારમાં પહોચશે.
જીવનસંધ્યાના દરેક સભ્યો ચિત્રાને વિદાય આપવા આવ્યા હતા.

દેવને જોતાં જ  ચિત્રા દોડીને એને વળગી પડી.
બધાંએ તાળીઓ પાડી બંનેને વધાવી લીધા.
દેવે સહુનો આભાર માન્યો અને જવાની પરવાનગી લીધી.

જતા જતા ચિત્રા મનન સામે જોઈ રહી.

મનને સહું સભ્યોને કહ્યું...
“ચાલો ભાઈ ચાલો...ગાર્ડનમાં આવી જાઓ.”

રીક્ષામાં જતા જતા ચિત્રાને અવાજ સંભળાયો...
હા...હા...હા...હા...
આટલાં અવાજોમાં મનનનો અવાજ આજે સ્પષ્ટ વર્તાતો હતો.