Friday, 14 February 2014

પ્રથમ પ્રેમ
કેના શેઠ. લાખો હ્રદયોમાં વસેલી એક સફળ અભિનેત્રી. કોલેજકાળથી જ એ આકર્ષક હતી. કેટલાય ભોળાભટ યુવાનોએ એને પ્રપોઝ કરેલું પણ કેનાનો હંમેશા એક જ જવાબ રહેતો. હું તો એક અભિનેત્રી બનવા માંગું છું અને અભિનેત્રીઓ કોઈ આલતુંફાલતુંના પ્રેમમાં ન પડે. એ કોઈને ભાવ ન આપતી. મનનાં ઊંડાણમાં કેનાને કોઈ ગમતું તો એ હતો,પ્રભાત રાણા. રાજવી કુટુંબનો એક ફૂટડો નવજુવાન. એની રાજવી છટાઓ સામે કેનાને બધાં હીરો બબુચક જેવા લાગતાં. પણ પ્રભાતનું વ્યક્તિત્વ એવું હતું કે કેના એની સાથે વાત કરતાં પણ ડરતી હતી.  

કોલેજના વાર્ષિક સમારંભમાં જોધા અકબરનું નાટક ભજવવાનું પ્રોફેસર સાહેબે નક્કી કર્યું. અકબર કોણ બનશે એ માટે તો પ્રભાત સિવાય એમને બીજું નામ સુજ્યું જ નહીં અને કેના અભિનયમાં હોશિયાર અને રૂપનો અંબાર એટલે જોધા તરીકે એની પસંદગી કરવામાં આવી. નામ જાહેર થતાં કેનાના મનમાં તો લાડુ ફૂટવા માંડ્યા. હવે પ્રભાત જોડે વાત કરવાનો મોકો મળશે એવા વિચારોથી એ રોમાંચિત થઇ ઉઠતી. આખી કોલેજને આ પસંદગી એકદમ બરાબર લાગી. બધા જયારે કેના અને પ્રભાતને પરફેકટ કપલ કહેતાં ત્યારે કેના મનમાં ને મનમાં ખુબ હરખાતી.


નાટકની તૈયારીઓ ચાલુ થઇ ગઈ. પ્રભાત અને કેના રોજ રિહર્સલ માટે મળતાં મળતાં એકબીજાની નજીક આવતાં ગયા. કેના હવે પ્રભાતની કારમાં જ  કોલેજ આવતી. વાર્ષિક સમારંભમાં જયારે આ નાટક ભજવાયું ત્યારે બધાએ બે મોઢે વખાણ કર્યા. એ દિવસે કેના બહુ ખુશ હતી. એક તો તેના અભિનયના બધાએ ખુબ વખાણ કર્યા અને એની અને પ્રભાતની જોડી બધાને ખુબ ગમી. એ સાંજે પ્રભાતે કેનાને ડીનર માટે પૂછ્યું. કેનાને તો વિશ્વાસ જ આવ્યોં નહીં. કંઈ પણ વિચાર્યા વગર એણે તરત જ હા પાડી દીધી. ડીનર દરમ્યાન પ્રભાતે કેનાને પ્રપોઝ કર્યું. આટલી બધી ખુશી કેમ જીરવવી એ કેનાને સમજ ના પડી. બીજે જ દિવસે પ્રભાત અચાનક તેના ઘરે આવી ચડ્યો. કેનાના પપ્પાને તેણે બધી હકીકત જણાવી દીધી અને સાથે એમ પણ જણાવ્યું કે તેના મમ્મી-પપ્પા તેઓને મળવા માંગે છે. માત્ર બે જ મહિનાના ગાળામાં કેના શેઠ બની ગઈ કેના શેઠ રાણા.

લગ્ન પહેલા જ કેનાએ પ્રભાતને કહેલું કે એ અભિનેત્રી બનવા માંગે છે. પ્રભાતને એની સામે કોઈ વાંધો ન હતો. બલ્કે હવે કેનાને પ્રભાત સારો રોલ મેળવવામાં મદદ કરતો. એકાદ બે નાના રોલ બાદ કેનાના નસીબ ફરી રંગ લાવ્યા. એક પ્રખ્યાત બેનર હેઠળ તેને એક રોલ મળ્યો અને ફિલ્મ સુપરહીટ. પછી કેનાએ કદી પાછું વાળીને ન જોયું. એક પછી એક હિટ ફિલ્મો આપતી રહી. એ હંમેશા શુટીંગમાં વ્યસ્ત રહેતી. પ્રભાત પણ પાર્ટીઓમાં એક હિરોઈન સાથે જવામાં વટ અનુભવતો એટલે કેનાના વ્યસ્ત રહેવાથી તેને કોઈ ખાસ પ્રોબ્લેમ ન હતો. કેના શુટીંગમાં વ્યસ્ત અને પ્રભાત તેના બિઝનેસમાં વ્યસ્ત. એમ કરતાં બંનેના લગ્નને પાંચ વર્ષ ક્યાં વીતી ગયા ખબર પણ ન પડી.

પ્રભાતના ઘરમાંથી હવે વડીલોની માંગણી થવા માંડી કે ઘરમાં ઘોડિયું બંધાય. મનમાં ક્યાંક પ્રભાત પણ હવે બીઝનેસ અને પાર્ટી લાઈફથી કંટાળ્યો હતો. એક રાતે તેણે કેનાને વાત કરી કે હવે ઘરમાં એક બાળક હોય તેવું એ ઈચ્છે છે. કેના થાકીને આવેલી હતી. તેણે વાતને બહુ ગંભીર ન લીધી અને કહી દીધું કે અત્યારે એ કારકિર્દીની ટોચ પર છે, આવા સમયે બાળક માટે વિચારવું અશક્ય છે. એ પડખું ફેરવીને સુઈ ગઈ પણ એ દિવસથી પ્રભાતની ઉંઘ ઉડી ગઈ. બંને વચ્ચે હવે વારંવાર આ બાબતે ચર્ચા થવા માંડી. ચર્ચાઓએ થોડાં જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રભાત હવે બાળક ઈચ્છતો હતો અને કેના કોઈ પણ ભોગે તેની કારકિર્દીને ખોવા માંગતી ન હતી. કંટાળીને કેના એક દિવસ ઘર છોડીને જતી રહી અને પ્રભાતે પણ તેને રોકી નહીં.

હવે કેના પોતાનાં ફ્લેટમાં રહેતી હતી. નાના ફ્લેટમાં પણ એકલતા તેને શાંતિથી જીવવા દેતી ન હતી.  કેમેરા સામે આખો દિવસ હસતી કેના અંદરથી ખુબ જ દુઃખી હતી. લોકોની વચ્ચે રહેવું હવે તેને કરડતું હતું. ભીડથી બચવા એ રોજ બપોરે શહેરની પ્રતિષ્ઠિત હોટેલ ગ્રાન્ડ પર્લના કોફી હાઉસમાં જતી. એક નાનકડી કેબીનમાં તેની જગ્યા રીઝર્વ રહેતી. ધીમે ધીમે આ પરિસ્થિતિની અસર તેના કામ પર પણ દેખાવા લાગી. તેને શુટિંગ કરવામાં હવે પહેલા જેવો આનંદ આવતો ન હતો. પણ સાથે સાથે એ કેરિયરને સાવ છોડવા પણ માંગતી ન હતી. એકલતા તેને કોરી ખાતી ત્યારે પ્રભાત સાથે વીતેલા દિવસોને યાદ કરીને એ કોફી હાઉસમાં જ રડી લેતી. હોટલના સ્ટાફને પણ કેનાની પરિસ્થિતિની જાણ હતી એટલે કોઈ તેને ખલેલ પહોચાડતું નહીં. સમય જતાં વાત હવે પ્રભાત અને કેનાના ડિવોર્સ સુધી આવી ગઈ અને વીજળીવેગે શહેરમાં ફેલાઈ ગઈ.

એક દિવસ કોફી હાઉસના ટેબલ પર “કેના શેઠ” નામે એક કવર પડ્યું હતું. કવરમાં માત્ર એક નાની ચિઠ્ઠી હતી. એમાં માત્ર એટલું જ લખ્યું હતું કે ‘ જે કહેવાનું છે એ કેના શેઠ રાણાને નહીં, કેના શેઠને કહેવાનું છે. કાલે જો બધું કામ મુકીને કેના શેઠ બની આવશો તો આવતાં સાત દિવસ સુધી તમને રોજ એક કવર મળશે. બની શકે કે આ તમારી જિંદગીને ફરીથી જીવંત કરી દે.’ એક શુભેચ્છક.
ચિટ્ઠી વાંચી કેનાને આશ્ચર્ય થયું. આવું લખવા વાળું કોણ હોઈ શકે. આખી રાત કેના આના વીશે વિચારતી રહી. સવારે ઉઠી તરત તેને વિચાર આવ્યો કે આમ પણ પોતે કામથી કંટાળી છે, થોડાં દિવસ કામ નહીં કરે તો કોઈ ફેર પડવાનો નથી. એક અઠવાડિયા સુધીના તમામ શુટીંગ તેણે કેન્સલ કરી નાખ્યા.

રાબેતા મુજબ એ બપોરે કોફી હાઉસ પહોંચી. સાવ સાદા ડ્રેસમાં, મેક અપ વગર, કેના શેઠ બનીને. ટેબલ પર એક મોટું કવર હતું. કવરમાં બસ કેનાના કોલેજકાળ ના ફોટા હતાં. લગભગ સો એક જેટલાં. નવાઈની વાત એ હતી કે એમાંનો એક પણ ફોટો કેનાએ પહેલા ક્યારેય જોયો ન હતો. કોણે પાડ્યા હશે આ ફોટાં. ઘણી સહેલીઓના નામ યાદ આવી ગયાં. કોઈના જોડે સંપર્કમાં ન હતી એટલે પૂછવું પણ કઈ રીતે? પણ એ ખુબ ખુશ થઈ. કોલેજ લાઈફ પાછી યાદ આવી ગઈ. રાત્રે બધાં જ ફોટાં બે ત્રણ વાર જોયા. આખી રાત વિચારતી રહી કે ફોટાં કોણે મોકલ્યા હશે પણ કોઈ અણસાર મળતો ન હતો.

બીજાં દિવસે બીજું કવર.  કવરમાં ફરી ફોટાં. પણ આજે તેના ને પ્રભાતનાં. તેઓ મળ્યા ત્યારથી લગ્ન સુધીના. એક ક્ષણ વિચાર આવી ગયો કે ક્યાંક પ્રભાત જ ફોટાં નહી મોકલતો હોય ને? પણ પછી થયું કે જો તેની પાસે આ ફોટાં હોય તો લગ્નનાં પાંચ વર્ષ સુધી છુપા રહી ન શકે. તો પછી કોણ? વિચારવું વ્યર્થ હતું. તે ફરી ફોટાં જોવા લાગી ગઈ. વાર્ષિક સમારંભના જોધા અકબર વાળા ફોટાં જોઈ કેના સામે પ્રભાતે પ્રપોઝ કર્યું હતું એ દિવસ એક્શન રિપ્લેની જેમ ફરી ચાલુ થયો અને તે પ્રભાતની યાદોમાં ખોવાઈ ગઈ. આજે રાત્રે તેને ઘણાં દિવસે સારી ઉંઘ આવી.

ત્રીજા દિવસે કવરમાં એની ફિલ્મી કારકિર્દીના ફોટાં તેમ જ તેને મળેલા એવોર્ડ્સ અને તેની સફળતા વીશે છપાયેલા ન્યુઝપેપર કટિંગ હતાં. આટલો સંગ્રહ ખુદ કેના પાસે પણ ન હતો. કોઈ તેનું આટલું મોટું ચાહક છે એ વિચારી કેનાને આ શુભેચ્છક પર માન થઇ આવ્યું. આજે તે ઓર વધારે ખુશ હતી.

ચોથા દિવસના કવરમાં પ્રભાત સાથે છૂટાં પડ્યા પછીના તમામ ફોટાં હતાં. ઉદાસ ચહેરા વાળા ફોટાઓ કેનાને ખુદને જ ન ગમ્યાં. ક્યાં કોલેજકાળથી લઈને ત્રીજા કવર સુધીના ફોટાં અને ક્યાં આ ફોટાઓ. કેના બદલાઈ ચુકી હતી. હવે કેનાને થોડો અણસાર આવવા માંડ્યો કે આ શુભેચ્છક કેનાને તેની જીન્દગીની સફર કરાવી રહ્યો છે. આ બધું જોઈ તેને એટલો તો ખ્યાલ આવી જ ગયોં કે એ પ્રભાત સાથે ખુશ હતી અને એના વગર દુઃખી.

પાંચમાં દિવસે કવરમાં એક કાગળ હતો. તેમાં લખ્યું હતું, ‘તમારે જીંદગીમાં શું જોઈએ છે તેની યાદી નીચે બનાવો.’ કેનાએ એક પછી એક ઈચ્છાઓ લખવા માંડી. પાનું ફેરવતાં લખ્યું હતું, ‘ આગળની યાદીમાં જે મેળવવાનું બાકી રહી ગયું હોય તે લખો.’  કેનાની એક જ ઈચ્છા જે બાકી હતી એ હતી, ‘હેપ્પી ફેમીલી લાઈફ’. કેના રડી પડી. ધ્રુસકે ધ્રુસકે. કોફી હાઉસમાંથી દોડીને જતી રહી. આખી રાત બસ અફાટ રૂદન. મળસ્કે થોડી આંખ લાગી ગઈ. સવારે ઉઠી ત્યારે એકદમ હળવી ફુલ હતી. આજે તેને બધું સારું લાગતું હતું. પોતાની ભૂલ સમજાઈ હતી.

કોફી હાઉસમાં જઈને આજે તેને બધા વેઈટરસને બોલાવ્યા. બધાને ખુબ નવાઈ લાગી. કોઈ દિવસ સામું પણ ન જોનારી કેના શેઠ રાણા આજે બધા જોડે વાત કરતી હતી. વેઈટરને તેણે પૂછ્યું કે આ કવર ટેબલ પર કોણ મૂકી જાય છે. વેઈટરે કહ્યું મેડમ અમને પોસ્ટ દ્વારા મળે છે રિસેપ્શન પર, તમારું નામ હોય એટલે અમે અહી મૂકી દઈએ. આજના કવરમાં ફરી એક ચિટ્ઠી. ‘જો તમારી જિંદગીના પાછલા છ વર્ષો તમને ફરી જીવવા મળે તો તમે શું બદલવા માંગશો.? જવાબ લખી કાગળ ટેબલ પર જ મૂકી રાખવો. કાલે આપણી મુલાકાત થશે.’ કેના ખુબ ખુશ થઇ. અંતે શુભેછ્કને મળાશે. એણે માત્ર એટલું જ લખ્યું કે બાકી બધું જ બરાબર હતું હું ખાલી પ્રભાત સાથેનું મારું વર્તન સુધારવા માંગીશ.

સાતમો દિવસ. આજે કેના રોમાંચિત હતી. છ દિવસ પછી આજે ફરી તે અરીસા સામે તૈયાર થવા બેઠી. આજે તેને ફરી ‘કેના શેઠ રાણા’ દેખાતી હતી. કોફી હાઉસ પહોચતાં જ ટેબલ પર પહોચી તેને ઝટ કવર ખોલ્યું. તેમાં લખ્યું હતું રૂમ નંબર ૩૦૩. કેના જેમ લીફ્ટ તરફ આગળ વધતી હતી તેમ તેના ધબકારા પણ વધતાં જતાં હતાં. તેને રૂમ નં ૩૦૩ નોક કર્યો. ઝટાક સાથે બારણું ખુલ્યું. સામે પ્રભાત હતો. બે મિનીટ માટે બધું એકદમ શાંત. બન્ને એકબીજાને ભેટી પડ્યાં. પશ્ચાતાપના આંસુ બંનેની આંખમાં ચમકતાં હતાં. કેનાએ કહ્યું ઘર છોડીને મારે જવું નોતું જોઈતું. પ્રભાતે કહ્યું અને મારે તને રોકવી જોઈતી હતી. પણ હવે એ બધું ભૂલી નવી જિંદગી શરુ કરીએ. પણ એ પહેલા આપણે એક વ્યક્તિનો ખુબ આભાર માનવાનો છે. કેનાએ પૂછ્યું, કોનો? પ્રભાતે કહ્યું આ હોટેલના માલિક મી. મહેતાનો. જેમણે તારા દિલની સાચી વાત મારાં સુધી પહોચાડી. કેના હવે ચુપ હતી. એનો મતલબ કે આ બધા કવર પ્રભાતે નથી મોકલ્યાં. તો પછી કોણ હશે એ શુભેચ્છક જે મારા વીશે આટલું બધું જાણે છે? કેના વિચારોમાં ખોવાઈ ગઈ. પ્રભાતે તેને ઢંઢોળતા કહ્યું, ક્યાં ખોવાઈ ગઈ ચાલ ઘરે, સાંજે મી. મહેતાને ડીનર માટે ઇન્વાઇટ કર્યા છે.  

સાંજે બરાબર આઠ વાગે મી. મહેતા પ્રભાતના ઘરે આવી પહોચ્યા. પ્રભાતે કેનાની ઓળખાણ કરાવી. આ મી. માનવ મહેતા. ગ્રાન્ડ પર્લ ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક. માનવ મહેતા, નામ પણ પરિચિત અને ચહેરો પણ. કેના તેમના વીશે વિચારવા માંડી. માનવે કહ્યું મેડમ પછી વિચાર કરજો, અત્યારે તો પેટમાં આગ લાગી છે. બધાએ હસતાંહસતાં ડીનર પતાવ્યું અને માનવે વિદાય લીધી.

રાત્રે સુતા સુતા કેના ભૂતકાળમાં સરી પડી. માનવ મહેતા. કેનાના પાછળ પાગલ છોકરાઓમાનો એક, પણ બધા કરતાં થોડો વધું પાગલ. કેનાને બરાબર યાદ આવ્યું કે કોલેજમાં દાખલ થયાના લગભગ પાંચમાં દિવસે જ તેને પહેલી વાર કોઈએ પ્રપોઝ કરેલું, એ આ માનવ મહેતા. કેનાએ ઘસ્સીને ના પાડી દીધી હતી.
બે ત્રણ વાર ફરી માનવે પ્રયાસ કરેલો પણ જયારે કેનાએ આખા ક્લાસ વચ્ચે તેની મજાક ઉડાવી ત્યાર પછી માનવ કદી તેને મળ્યો ન હતો. એ જ માનવ જેને મેં એક સમયે  રીજેક્ટ કરેલો તેણે જ આજે મારું જીવન ફરીથી ખુશીઓથી ભરી દીધું, એમ વિચારી કેના રડી પડી. બાજુમાં પ્રભાત આજે ચેનની ઉંઘ માણી રહ્યો હતો. આ ઊંઘનો યશ પણ માનવને જાય છે એવું કેનાને લાગ્યું. હવે આજે ઉંઘ આવવી મુશ્કેલ હતી. તેણે પોતાનું લેપટોપ ઓન કર્યું અને માનવ મહેતા વીશે સર્ચ કરવા લાગી. એક સામાન્ય ઘરનો છોકરો નાના રેસ્ટોરન્ટથી લઈને ગ્રુપ ઓફ હોટેલ્સનો માલિક કેવી રીતે બન્યો એ જાણી કેના માનવથી ઈમ્પ્રેસ થઇ ગઈ.

બીજાં દિવસે સવારે એ સીધી હોટલ ગ્રાન્ડ પર્લ પહોચી. રિસેપ્શન પર જઈ કહ્યું, મી. મહેતાને કહો કે    ‘કેના શેઠ’ મળવા આવી છે. થોડીવારમાં માનવ ખુદ તેને બહાર રીસીવ કરવા આવ્યો. બંને માનવની ઓફિસમાં બેઠા. વાત ક્યાંથી ચાલુ કરવી એ કેનાને ખબર પડતી ન હતી. આંખોમાં પાણી સાથે એ ખાલી એટલું જ બોલી શકી, થેંક યુ માનવ. મારી તૂટતી જીન્દગીને બચાવવા માટે અને એ ચોધાર આંસુએ રડી પડી. માનવે તેને શાંત પાડી.

થોડી સ્વસ્થ થઇ પછી કેનાએ પૂછ્યું, મેં તારું અપમાન કર્યું હતું, તારી સાથે કદી સરખી વાત પણ નથી કરી છતાં આ બધું કેમ?
મનાવે સહેજ પણ સંકોચ વિના કહ્યું, ‘ કારણકે હું તને પ્રેમ કરું છું.’
હજી પણ? કેના એ પૂછ્યું,
પહેલા કરતાં પણ વધારે .
તેં લગ્ન..........?
નથી કર્યા.
કેમ?
તારી સિવાય હજી સુધી કોઈ ગમ્યું જ નથી.
કેના અવાક હતી. તેના મનમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું. તેને માનવને સિધુ જ પૂછી લીધું,
મારા ડિવોર્સ થવાના હતાં, હું મનોમન તને પ્રેમ પણ કરવા લાગી હતી. જો છઠ્ઠા દિવસે તું સામે આવી ગયો હોત તો કદાચ આ વખતે હું તને ના ન પાડત. આટલા સારા માણસ અને ગ્રાન્ડ પર્લ ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક સાથે કોણ સુખી ન રહે?
માનવે કહ્યું હા, તું ગ્રાન્ડ પર્લ હોટલના માલિક ને કદી ના ન પાડત. પણ તારા સામે હું તો હજી એ જ કોલેજ કાલનો માનવ મહેતા છું. એક સામાન્ય ઘરનો છોકરો. અને તું તો હિરોઈન. હિરોઈન થોડી આલતુ ફાલતું લોકો જોડે પ્રેમ કરે?
બંને હસી પડ્યાં .

માનવે કહ્યું, તું ભલે મારા જીવનની દરેક ક્ષણમાં હોય, પણ હું તારા જીવનમાં ક્યારેય નહોતો, અને આવવા પણ નથી માંગતો. પ્રભાત તારો પ્રથમ પ્રેમ છે અને પ્રથમ પ્રેમ હંમેશા સાચો હોય છે. એ વાત હું બહુ સારી રીતે સમજુ છું કારણકે તું મારો પ્રથમ પ્રેમ છે.
પણ, તું એટલે કેના શેઠ હોં, કેના શેઠ રાણા નહી. આટલું બોલતાં બોલતાં માનવનું ગળું ભરાઈ ગયું.

જા હવે, પ્રભાત તારી રાહ જોતો હશે. તું એને કાંઈ કીધા વગર જ આવી ગઈ હોઈશ. હવે બંને જણ સંપીને રહેજો, મારી પાસે હવે બીજાં ફોટાં નથી, હતાં એ બધાં તને મોકલી દીધાં. બંને જણા ખડખડાટ હસી પડ્યા.લેખક : Baiju Jani